નો-ડોનેશન શાળામાં બાળકના પ્રવેશ સામે ડોનેશન (દાન) લેવામાં આવતું નથી. અમો પ્રમાણિક્તાના સંસ્કાર આપવા માંગીએ છીએ. પ્રવેશ સામેનાં ફરજિયાત દાનને બાળક સોદો/લાંચ સમજે છે. જેથી બાળકમાં શરૂઆતથી જ અપ્રમાણિક્તાના બીજ રોપાય છે. અને બાળકમાં નૈતિક મૂલ્યો કેળવી શકાતા નથી. બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય એ હેતુથી સૈધ્ધાંતિક રીતે પ્રવેશ સામે ફરજિયાત દાન ન લેવાનો અમારો નિર્ણય છે તેમજ તમામ સ્તરે પ્રામાણિક્તા સેવાય તે માટે અમો પ્રતિબદ્ધ છીએ.
વર્ગમાં મર્યાદિત સંખ્યા બાળક માટે સ્વતંત્રતા અને શિસ્ત બંન્ને જરૂરી છે. તેની સ્વતંત્રતા છીનવાય ન જાય, તે શિસ્ત-પ્રિય બને, વર્ગકાર્ય સરળતાથી કરાવી શકાય, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપી શકાય અને શિક્ષણની ગુણવત્તા ઊંચી લઈ જઈ શકાય એ હેતુથી બાળ મંદિર / પ્રાથમિકમાં વર્ગદીઠ-૪૫ અને માધ્યમિક વિભાગમાં વર્ગદીઠ-૫૦ વિદ્યાર્થીઓની સંખ્યા રાખવી એ અમારો દ્રઢ નિશ્ચય છે.
શિક્ષકને પૂરતો પગાર ગુણવત્તાવાળું શિક્ષણ માત્ર ગુણવત્તાવાળા શિક્ષકો જ પૂરું પાડી શકે. શિક્ષકોને પોતાની જાત માટે ઊંચો આદર થાય, તેના વ્યવસાયથી જરૂરિયાતો પરિપૂર્ણ થાય, નિષ્ઠાથી કાર્ય કરે, ટ્યુશનની બદીઓથી દૂર રહી ફરજ એ જ દેવત્વ સમજે તેમજ અસરકારક શિક્ષણ પુરુ પાડવા માટે જરૂરી તમામ જ્ઞાન સંપન્ન અને સુસજ્જ શિક્ષણના પાયારૂપ શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ એના પડછાયા બનીને તેને અનુસરે એ હેતુથી શાળામાં શિક્ષકોને સરકારી ધારા-ધોરણ મૂજબ પૂરો પગાર આપવાની અમારી નેમથી અમો ચલિત થયા નથી.