શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટના છાંયડામાં ૨૮મી જૂન ૧૯૯૩ નાં રોજ પા...પા...પગલીથી શરૂ થયેલી અમારી શાળા સોળ વર્ષ પૂરા કરી આજે સત્તરમાં વર્ષમાં પ્રવેશી છે અને બાળપણ પૂર્ણ કરી કિશોરાવસ્થા પૂર્ણ થવાના આરે છે અને યુવાની તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે સ્વાભાવિક પણે હર્ષની લાગણી સ્ફૂરે એ નિશ્ચત છે. યુવાવસ્થાને કવિએ વસંતઋતુ સાથે સરખાવી છે. વસંતઋતુ આવતા પ્રકૃતિ યૌવનનું આહલાદક સ્વરૂપ ધારણ કરે છે. તેમ અમારી શાળા પણ અમારા વિદ્યાર્થીની સિધ્ધિઓના પુષ્પોની સુગંધ ચારેકોર પ્રસરાવતી પ્રગતિના પંથે ઉત્તુંગ શિખરો સર કરી રહી છે અને હંમેશા એમ થતું જ રહેશે તેવો મને વિશ્વાસ છે.
૧૩૧ (એકસો એકત્રીસ) વિદ્યાર્થીની સંખ્યા તથા ૬ (છ) શિક્ષકથી નાનકડા બીજરૂપે અંકુરિત થયેલી અમારી શાળા હાલમાં ૧૯૫૦ (એક હજાર નવસો પચાસ) વિદ્યાર્થીઓ અને ૭૦ (સિત્તેર) જેટલા વિશાળ કર્મચારી ગણ દ્વારા વટવૃક્ષની જેમ વિકાસી છે. શાળા બાળવિભાગના કલરવથી ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના થનગનાટથી ગુંજતી રહે છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ધ્યેયને ધ્યાનમાં લઈ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિને વિક્સાવવા માટે વિવિધ પ્રદર્શનો શારીરિક કેળવણી માટે અનેક રમતો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી માહિતગાર રહે તે માટે અસરકારક રીતે જન્માષ્ટમી, રક્ષાબંધન, નવરાત્રી, દીવાળી જેવા ધાર્મિક તહેવારોની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્ર માટેની લાગણીના સ્પંદનો ઉરમાં સતત ધબકતા રહે તે માટે ૧૫મી ઓગષ્ટ અને ૨૬મી જાન્યુઆરી નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. શૈક્ષણિક ઉચ્ચતમ સિધ્ધિ માટે ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વેકેશન બેચ ચલાવવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સમયસર અને સારી રીતે પૂર્ણ થઈ શકે.
શિશુવર્ગ, ધો-૧,૫,૮,૧૦,૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓના વાલીની મીટીંગ લઈ શિક્ષણ સંયોજક ટ્રસ્ટશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. શિક્ષક, વિદ્યાર્થી અને વાલીના ત્રિવેણી સંગમથી શાળામાં સરસ્વતી ઉપાસનાનું કાર્ય થાય છે.
"નભથી અવકાશને જૂદા ન પડાય કિરણથી તેજને છૂટું ન પડાય મોજાથી સાગરને દૂર ન કરાય ચાંદનીથી ચંદ્રને છૂટો ન કરાય."
તેમ આ શાળાના નિષ્ઠાવાન શિક્ષકોને કંઈ ભૂલાય? શાળાના શિક્ષકો વિદ્યાર્થ રૂપી કળીને ખીલવી ફૂલ બનાવી તેના શિક્ષણ, શિસ્ત અને સંસ્કારની ફોરમ ફેલાવવામાં પોતાની તમામ શક્તિને કામે લગાડે છે. શિક્ષકોના પરિશ્રમ અને સહયોગ થકી જ શાળાનું પરિણામ શ્રેષ્ઠ આવે છે તેની નોંધ લેવી જ ઘટે.
શાળાનો અધિકારીગણ સ્વઅનુભવ તથા આગવી સૂઝ દ્વારા નવનીત આયોજન કરે છે, શિક્ષકોને માર્ગદર્શન આપે છે અને એક પરિવારનાં તાંતણે ગૂંથાઈને દરેક કાર્ય સરળતાથી પાર પાડે છે.
અમારા સર્વ ટ્રસ્ટીશ્રીઓએ એક જ ભેખ ધારણ કર્યો છે. શાળામાં શિક્ષણ દ્વારા સંસ્કાર આપવા અને માનવીને સાચે માનવી બનાવવો. માનવી એટલે શું? તેની વ્યાખ્યા સમજાવતાં તેઓ કહે છે કે 'જે કોઈનું પણ અહિત કરતો નથી, તે માનવી'. જ્યારે ધ્યેય હોય છે ત્યારે મંઝિલ પર પહોંચવાના માર્ગો મળ્યા જ કરે તેથી જ અધિકારીગણ, શિક્ષકભાઈ બહેનો, વહીવટી સહાયક તથા સેવક અને ભાઈ-બહેનો કડીમાં કડી પરોવી મજબૂત સાંકળ બનાવી કાર્ય કરી શકીએ છીએ.
કહેવાય છે કે, "જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના-જાયા કરે એડે તો એનું રક્ષણ પડછાયા કરે."
હે પરમકૃપાળુ પરમાત્માં, અમારા આ વટવૃક્ષને કબીરવડની જેમ વિક્સાવજે. જે ઝંઝાવાતો સામે ટકી રહે. વર્ષોના વર્ષો સુધી તેની ગાથા તેને જોઈને લોકો ગાયા કરે.