પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાય જન્મની તિથિ ધનતેરસ (આસો વદ તેરસ વિક્રમ સંવત ૧૯૭૩) જ્યારે નામ દીનદયાળ, કેવો વિરોધાભાસ ! પરંતુ જાણે માતા-પિતાને પુત્રનું ભવિષ્ય ખબર હોય તેમ જ નામ રાખ્યું હશે. દીનદયાળ ગરીબો પર દયા રાખનારા તેમણે પોતાનું નામ કાર્યા દ્બારા સાર્થક કરી બતાવ્યું.
લાડકું નામ 'દીનો' એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નો જન્મ ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬ ના રોજ ઉત્તર-પ્રદેશના મથુરા જીલ્લાના ફરહ કસબામાં નગલાં ચંદ્રભાણ નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના માતાનું નામ રામપ્યારી અને પિતાનું નામ ભગવતી પ્રસાદ.
પાંચ વર્ષની ઉંમરે પિતા તથા સાત વર્ષની ઉંમરે માતાનું છત્ર ગુમાવનાર પંડિત દીનદયાળનું જીવન સંઘર્ષમય હતું. તેમાં પણ પરિશ્રમને પારસમણિ મેઘાવી બાળક જાણે માતા સરસ્વતીનાં ઉપાસક હોય તેમ ખૂબ સહજતાથી પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતા. મેટ્રીકની પરીક્ષામાં સમગ્ર અજમેર બોર્ડમાં પ્રથમ આવી સુવર્ણચંદ્રક મેળવી - તેઓએ પિલાની બિરલા કોલેજમાં અભ્યાસ કર્યો. ત્યાં પણ દરેક વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી બિરલાજીના હસ્તે સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમનો વિદ્યાર્થીકાળ આજના વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ છે. ગમે તેવા સંઘર્ષમય જીવનમાં પણ ભની શકાય છે એ વાત તેમના જીવન પરથી ફલિત થાય છે. તેમણે બી.એ.બી.ટી.(આજનું બી.એડ.) ની ઉપાધિ પ્રાપ્ત કરી.
તેઓ ઉચ્ચ વિચારક, ઉચ્ચ વક્તા અને ઉચ્ચ કોટિના લેખક હતા. તેમણે ઈ.સ. ૧૯૫૧ ની ૨૧મી સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશમાં જનસંઘની સ્થાપના કરી. તેના પ્રદેશ મહામંત્રી બન્યા. ૧૯૫૨ થી ૧૯૬૭ સુધી જનસંઘના અખિલ ભારતીય મહામંત્રી રહ્યા. આવા મહાન આદર્શવાદી વ્યક્તિનાં મૃતદેહ ૧૧મી ફેબ્રુઆરી ૧૯૬૮ ના રોજ મુગલસરાય સ્ટેશનેથી મળ્યો. તેમની હત્યા થઈ હતી પરંતુ આજે પણ તેમની હત્યાનું રહસ્ય વણઉકેલ્યું રહ્યું છે.
માતૃભુમિ માટે પોતાનું બલિદાન આપનાર પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાયનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણાનું અવિરત કિરણ બની રહ્યું છે અને બની રહેશે. પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાયજી દરેક ના હૃદયમાં સદાય અમર રહેશે.